રવિવાર, 13 જૂન, 2010

ગરીબ હોવા કરતાં ગરીબ હોવાનો અહેસાસ વધુ ખતરનાક છે.‘

ધનવાન હોવાનો અહેસાસ

अश्विन व्.म, Rich Life
Rich type feelingsઆકર્ષણના સિદ્ધાંત મુજબ તમારા મનમાં જેવી લાગણીની અનુભૂતિ કે અહેસાસ ચાલુ હોય તેવા જ સંજોગો, ઘટનાઓ, લોકો અને વસ્તુઓ તમારા તરફ આકર્ષાય છે. આપણે મની મેગ્નેટ બનવું છે. એ તો જ બની શકાય જો આપણે સતત ધનવાન હોવાનો અહેસાસ કર્યા કરીએ. આ અહેસાસ સમૃદ્ધિના વાઇબ્રેશન ઉત્પન્ન કરે છે અને એને પ્રસારિત કરે છે, જે વળતા જવાબમાં સમૃદ્ધિને તમારા તરફ ખેંચી લાવે છે.

ગરીબ કેમ વધુને વધુ ગરીબ બનતો જાય છે અને અમીરો કેમ વધુ અમીર બનતા જાય છે? જે માણસ ગરીબ છે, ગરીબીમાં જીવે છે એના મનમાં સવારથી લઇને સાંજ સુધી જાણ્યે-અજાણ્યે સ્વાભાવિક પણે જ અછતની લાગણી જ ચાલુ હોય. ચોવીસ કલાક નજર સામે જ રહેતી કંગાલીયત મનમાં સતત ‘અછત’ની લાગણી જન્માવે છે અને એનું જતન કર્યા કરે છે.

આ અછતની લાગણી અછતના વાઇબ્રેશન પ્રસારિત કરે છે જેના પ્રતિસાદરૂપે વધુ અછત આકર્ષિત થાય છે અને સરવાળે એ ગરીબ વધુને વધુ ગરીબ થતો જાય છે. ગરીબ ઘરમાં જન્મ લેવો તે કદાચ અકસ્માત હોઇ શકે પણ ગરીબ ઘરમાં મૃત્યુ પામવું તે જાગૃતિપૂર્વકના કર્મનો અભાવ સૂચવે છે.

જે માણસ અમીર છે, એ સતતપોતાની આસપાસ શું જુએ છે? બંગલો છે, ગાડી છે, નોકર-ચાકર છે, લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ છે, જે વસ્તુ જોઇએ તે હાજર છે અને પોતાના જેવાં જ લોકો સાથે રોજનો સંપર્ક છે એમને ત્યાં પણ બધું જ છે. ચોવીસે કલાક નજર સામે રહેતી સમૃદ્ધિ મનમાં ‘સમૃદ્ધિ’ની લાગણી જન્માવે છે, જે સમૃદ્ધિના વાઇબ્રેશન પ્રસારિત કરે છે, જે જવાબરૂપે એની જિંદગીમાં વધુ સમૃદ્ધિને આકર્ષે છે. જરૂર ન હોય તો પણ. માટે જ અમીર વધુને વધુ અમીર બનતો જાય છે.

તમે જોયું? અહીં આપણી જરૂરિયાતનું કોઇ મહત્વ જ નથી. બોલબાલા માત્ર આપણી લાગણીઓની જ છે, આપણાં અહેસાસની છે! તમારા પોતાના જ અનુભવોને યાદ કરો ને! જે દિવસે સવારથી બેચેનીની લાગણી થતી હોય એ દિવસે બેચેન થઇ જવાય એવી જ ઘટનાઓ લગભગ બનતી હોય છે અને જે દિવસે મનસુખ મુડમાં હોય એ દિવસે એને મુડમાં રાખે એવી જ ઘટનાઓ બન્યા કરતી હોય છે. માટે એ સમૃદ્ધિ જોઇતી હોય તો આ ક્ષણથી જ સમૃદ્ધ હોવાનો અહેસાસ જગાડવો પડે. ‘મારે જોઇએ છે’ એવી વાત હાલમાં અછત છે એવી એક છુપી લાગણી જગાવે છે. માટે જ ધનના ભિખારીઓ તો ધનવાન બની શકે છે પણ મનના ભિખારીઓ ક્યારેય ધનવાન નથી બની શકતા.

તમારે જે જોઇએ છે તે હાલમાં તમારી પાસે હોય કે ન હોય, પણ મનમાં લાગણી તો એવી જ હોવી જોઇએ કે તમે અત્યારે જ એ વસ્તુના માલિક છો. તમે જાણો જ છો કે સમૃદ્ધિ માત્ર સમૃદ્ધ લોકો તરફ જ આકર્ષાય છે. ભૌતિક સ્વરૂપે તમારે જોઇતું ધન ભલે હજુ તમારી જિંદગીમાં ન આવ્યું હોય પરંતુ માનસિક સ્તરે, લાગણીની દુનિયામાં એ ધનના માલિક બની જાઓ. હક જતાવો. એ ધન, એ રકમ, એ સાધનો, સમૃદ્ધિ તમારી છે જ અને તમે અત્યારે જ ધનવાન છો એવો ખુશીનો અને સમૃદ્ધિનો અહેસાસ મનમાં જગાવો. તમે કહેશો કે ઉધારી આંટો લઇ ગઇ હોય, ખિસામાં રૂપિયા ન હોય ત્યારે આવો આવો અહેસાસ તો વળી કેવી રીતે જાગી શકે ? જાગી શકે મિત્રો, એનો પણ રસ્તો છે ઉપાય છે પણ એ આવતા અંકે...

સોના મહોર: ગરીબ હોવા કરતાં ગરીબ હોવાનો અહેસાસ વધુ ખતરનાક છે.‘

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો