રવિવાર, 13 જૂન, 2010

ભોપાલ ગેસકાંડ

ભોપાલ ગેસકાંડ : ગુનેગારોને કોણે છાવર્યા?


Bhopal gas survivors hold candlelight vigilચોર ચોરી કરે એ માટેની નિસરણી પકડનારા પણ સરખા જ ચોરંટા ગણાય

કવિ ઈમરસને તેના જમાનામાં એક કહેવત વહેતી કરેલી (૧૮૪૧) કે ‘કોઈ પણ ગુનો કરો તે છુપો રહેતો નથી. પૃથ્વી કાચની બનેલી છે તમારા બધા ગુના દેખાય છે. તેમાંથી છટકી શકાય નહીં.’ કવિ મહાશય! આ ૨૧મી સદી છે અને હૃદયવિહીન કોર્પોરેટ કલ્ચરના અમેરિકનો આ પૃથ્વી ઉપર છવાયા છે, તે કંપનીના બડેખાઓ ગુના કરીને આબાદ છટકી જાય છે. મારા કમનસીબ છે કે ૨૬ વર્ષ પહેલાં છપ્પનની ઉંમરે ભોપાલમાં યુનિયન કાર્બાઇડના પેસ્ટિસાઇડઝના પ્લોટમાંથી ઝેરી વાયુ છુટયા અને નજીકમાં ટપોટપ મરનારા લોકોને મારે અને ભરત ઘેલાણીએ નજરોનજર જોવા પડેલા. આજે તે ભૂલી જવા જેવી ટ્રેજેડીને ભારતની (અ) ‘ન્યાય કોર્ટે’ ફાલતુ સજાઓ કરીને ફરી ડબલ બળતરા સાથે ટ્રેજેડીને યાદ કરાવી છે.

કેશવ મહિન્દ્ર પણ આ ગંદી કંપનીને હાથ લગાવવા ગયા તેમાં નાહકના દંડાઈ ગયા છે, પણ તેણે જર્મન કહેવત યાદ રાખવી જોઈતી હતી કે ‘હી હુ હોલ્ડઝ ધ લેડર ઈઝ એઝ બેડ એઝ ધ થીફ.’ ચોરને ચોરી કરવા માટે નિસરણી પકડે છે તે ચોર જેટલો જ ગુનેગાર છે. પણ યુનિયન કાર્બાઇડ ચોર તો છે, પણ તેને ખરીદનાર ડાઉ કેમિકલ્સ માત્ર ચોર નથી, પણ નાગા ચોર-નાગા ગુનેગાર છે! ભોપાલના આ ગેસકાંડમાં ૧૫૦૦૦ લોકો મરી ગયા અને બે લાખ લોકો ગેસના ઝેરથી પીડાય છે. તે કાંડ વખતે મધ્યપ્રદેશનું અસ્થિર રાજકારણ અને વર્ષે કે છ મહિને બદતમીઝ કોંગ્રેસસીઓ મુખ્ય પ્રધાન બદલતા હતા.

૧૯૫૬થી ૧૯૮૦ સુધીમાં ડઝન મુખ્ય પ્રધાનો બદલાયા પછી અર્જુનસિંહ બરાબર ૩૦ વર્ષ પહેલાં આ લખું છું તે દિવસે (૮/૬) મુખ્ય પ્રધાન થયા. તેમણે કોંગ્રેસસીઓને ભ્રષ્ટ આચરણ કરવાની મોકળે હાથે છુટ આપી અને સાથે ઉદ્યોગપતિઓને વહાલા થઈ સરકાર ટકાવી રાખવા ભોપાલમાં યુનિયન કાર્બાઇડના ગુનાને છાવરવામાં તમામ શક્તિ કામે લગાડતાં કોંગ્રેસસની કોથળી છલકાવવા માંડી. અમે ભોપાલમાં જે જે સરકારી સચિવ કે પોલીસ ઓફિસર કે ન્યાયતંત્રના માણસને મળતા તે કહેતા કે દિલ્હીની સરકાર અને અર્જુનસિંહ તેની તમામ શક્તિ મલ્ટિનેશનલ કંપનીઓને બચાવવા જ વાપરે છે. યુનિયન કાર્બાઇડના તે સમયના અમેરિકન વડા વોરન એન્ડરસન જ નહીં પણ પછી ડાઉ કંપની જેણે આ કંપની ખરીદી લીધી છે તેણે અમેરિકન સરકાર અને ભારત સરકાર સાથે વગ વાપરી.

ડાઉ કંપની એ તો ૨૦૦૬માં વોશિંગ્ટન ખાતેના ભારતીય એલચીને લખ્યું કે ‘જો ભારતના ચળવિળયા ભોપાલ ગેસ લોકો અંગે વળતરના કેસમાં જિદ્દી બનશે તો વિદેશના રોકાણકારો ભારતમાં નહીં આવે! એટલે અમને ખાતરી આપો કે આ કેસને કાનૂની રીતે લંબાવાશે નહીં!’ બોલો! આનાથી વધુ નાગાઈ તમે જોઈ છે? અને આપણો દેશ અને ખાસ તો કોંગ્રેસસીઓ એટલા બધા અમેરિકનોને વેચાઈ ગયા છે કે ૧૫૦૦૦નાં ‘ખૂન’ માટે જવાબદાર એવી યુનિયન કાર્બાઇડને વેચાતી લેનાર કંપની ડાઉ કેમિકલ્સ ભારતમાં લીલાલહેર કરે છે અને ભોપાળ ગેસપીડિતોને એક પાઈ આપવા તૈયાર નથી. જર્મની કે ફ્રાંસ હોય તો આવા ગંદા અને ક્રૂર ભૂતકાળવાળી ડાઉ કંપનીને પોતાના દેશનું આંગણું ચડવા પણ ન દે. પણ ભારતમાં અર્જુનસિંહના સમયથી કોંગ્રેસસનો ભ્રષ્ટાચાર ચાલ્યો આવે છે. સપ્ટેમ્બર -૨૦૦૦માં ડાઉ કંપનીએ જગતમાં ખુશાલી વ્યક્ત કરી કે અમે ભારતમાં અમારા પગ પહોળા કરીએ છીએ.

આજે મુંબઈમાં તમે વીએન પુરવ રોડ ઉપર ડાઉ કેમિકલ ઇન્ટરનેશનલ્સનું બોર્ડ જોશો. ડાઉ કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિ. પણ ઘૂસી છે. સ્ટાયરોન, પોલસ્ટિરીન રેઝીન્સ, કાગળ, એથીલેમાઇન્સ નામના કેમિકલ્સ અને ફાર્મસી માટેની કાચી પેદાશોનો ભારતમાં ડાઉ કંપની વેપાર કરે છે. જો ભારતની જગ્યાએ જર્મની હોત તો ડાઉ કેમિકલ્સની તમામ અસ્ક્યામતો-તેનો વેપાર જપ્ત કરત. ભારતમાં શું છે? ડો.. મનમોહનસિંહ જેમની સરકાર પવારના સહકારથી કાચા પાયા ઉપર રચાયેલી છે તે આજે ડાઉ કેમિકલ્સનો ૫૦ કરોડ ડોલરનો વેપાર ભારતમાં કરવા દે છે. આજે પણ સ્કોટ વ્હીલર નામનો કંપનીનો પ્રવકતા સતત કહ્યા કરે છે કે ‘ભોપાલના પ્લાન્ટમાં બન્યું તે માટે અમે જવાબદાર નથી!’ આ ડાઉ કેમિકલ્સ કંપની એટલી જંગી છે કે ચારેકોર પોતાને પ્રામાણિક અને ઉમદા પ્રમુખ તરીકે ખપાવનાર પ્રમુખ બરાક ઓબામા પણ કંઈ કહી શકે નહીં, કારણ કે તેની ચૂંટણીમાં આ બધી જંગી કંપનીઓએ નાણાં આપ્યાં છે.

૧૯૬૬થી વ્યાપાર જગતના પત્રકારત્વના અનુભવ પરથી કહી શકું કે અમેરિકાની એકેએક મલ્ટિનેશનલ કંપની જે ભારતમાં કામ કરે છે તે બધી જ બદમાશ છે. ‘ધ ન્યૂ યોર્કર’ નામના પ્રબુદ્ધ સાપ્તાહિકના પત્રકાર ડાઉ કેમિકલ્સ અને યુનિયન કાર્બાઇડના ધુરંધરોને મળ્યા. તેમને શું કહ્યું જાણો છો? ‘અમારે કંપનીઓએ મહત્તમ નફો કરીને શેરહોલ્ડરોનાં હિત જોવાનાં હોય છે.’ (બીજા શબ્દોમાં ભોપાલના ગેસપીડિતો જાય જહન્નમમાં) જહોન કોએલ નામના વિખ્યાત વોશિંગ્ટનના વકીલ જે આવા કેસોમાં પીડિતોને અબજો ડોલરના વળતર અપાવે છે તેણે ભોપાલના અકસ્માતનો કેસ વોશિંગ્ટનમાં ટેક્સીમાં જતા હતા ત્યાં સાંભળ્યો. તે ભોપાલ દોડી આવ્યા. પણ શું થયું? તે સમયની અર્જુનસિંહની નાલાયક સરકાર અને કેન્દ્રની કોંગ્રેસસ સરકારે પરખાવી દીધું કે આ કેસમાં અમેરિકન વકીલોને પેસવા નહીં દઈએ.

ડાઉ કેમિકલ્સના ધર્માદાનાં નાણાં ખાનારી મધર ટેરેસાએ તો કહેવા માંડ્યું, ‘ફરગિવ ફરગિવ.’ આ કંપનીને પોતે ધર્માદાશીલ છે તે બતાવવા કેટલાક લંગડા લોકોને જયપુરમાં બનતા કૃત્રિમ પગ બેસાડવાના દાન આપીને ભારતની દયા ખાધી છે. શરમ છે! જ્યાં રૂ. ૨૦૦ અબજ આપવા જોઈએ ત્યાં રૂ. ૨૦૦ના કૃત્રિમ લાકડાના પગના દાન કરે છે! ડાઉ કેમિકલ્સની ટીકા કરતી વખતે અમારે સાવધાન રહેવું પડે. તમે જાણો છો, ડાઉ કંપનીનો અમેરિકાની સિકયુરિટીઝ એન્ડ એક્સચેંજ કમશિન નામની વોલ સ્ટ્રીટની દેખરેખ રાખનારી સંસ્થાએ રૂ. દોઢ કરોડનો દંડ કર્યો હતો? ડાઉ કેમિકલ્સ ઉપર ભ્રષ્ટાચારનો આરોપ હતો. ડાઉ કેમિકલ્સની ડી-નોસિલ નામની પૂર્ણ માલિકીની કંપનીએ ભારત સરકારના ઓફિસરોને રૂ. ૧ કરોડની લાંચ આપેલી. ૧૯૮૩થી આજ સુધી મધ્યપ્રદેશની અને ભારત સરકારની બ્યુરોક્રસી ભ્રષ્ટ છે. તમે જાણો છો કે ડાઉ કેમિકલ્સ ઈનસેકટીસાઇડઝ અને ખેતીવાડીનાં જંતુ ટાળવાનાં પેસ્ટિસાઇડઝ બનાવી વેચે છે? આ જંતુઘ્ન દવા હાનિકારક છે કે નહીં તેનું ધ્યાન ભારતમાં સેન્ટ્રલ ઈનસેકટીસાઇડઝ બોર્ડ રાખે છે.

આ બોર્ડ ડાઉ કંપનીને હાનિ કરે તેવા નિયમ ન કરે તે માટે ઈનસેકટીસાઇડ બોર્ડના સિનિયર ઓફિસરોને જંગી લાંચ આપતા પકડાયા હતા (જુઓ ‘ડાઉન ટુ અર્થ’ મેગેઝિનનો ૨૪-૧૧-૦૯નો અંક). આવા તો ડાઉ કેમિકલ્સ નહીં પણ મોનસાન્ટો તેમજ કોકાકોલા કંપનીનાં ઘણાં પાપ છે, પણ તેનાં પાપની નીસરણી પકડનારા આપણા પ્રધાનો અને ઓફિસરો જ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો