રવિવાર, 13 જૂન, 2010

ટાકોસ, પિત્ઝા, ફ્રેંચ ફ્રાઇઝ, કાપુચીનો, કસાટા..અને ખીચડી

Ashvin V. Mahyavanshi
ગુજરાતીઓ શરૂથી જ મઘ્યમાર્ગી પ્રજા હતી, રોટલી અને ભાત બન્ને ખાતા હતા, હિંદુસ્તાનના નકશામાં વચ્ચે જ હતા. હવે આપણે દુનિયા ફરતા થઇ ગયા છીએ અને ટી.વી. આખી દુનિયાને આપણા ડ્રોઇંગરૂમમાં ખંખેરી નાખે છે.

Takos Pizza French Kasata and Khichadiગુજરાતી મઘ્યવર્ગોમાં એક અદ્રશ્ય ક્રાન્તિ કિચનમાંથી, બેડરૂમમાંથી ડ્રોઇંગરૂમમાં ફેલાઇ ચૂકી છે. હવે આપણે માત્ર રોટલીદાળભાતશાકના લેબલ નીચે ફિટ થઇ જનારી પ્રજા નથી. ગુજરાતીઓ શરૂથી જ મઘ્યમાર્ગીપ્રજા હતી, રોટલી અને ભાત બન્ને ખાતા હતા, હિંદુસ્તાનના નકશામાં વચ્ચે જ હતા. હવે આપણે દુનિયા ફરતા થઇ ગયા છીએ અને ટી.વી. આખી દુનિયાને આપણા ડ્રોઇંગરૂમમાં ખંખેરી નાખે છે. આપણો ખોરાક ધીરે ધીરે, અને નવું નવું ખાવાનો શોખ ઝડપથી બદલાઇ રહ્યા છે. પંજાબી અને મુઘલાઇમાંથી આપણે ચાઇનીઝ વેજિટેરીઅન મંચુરીઅન અને સ્પ્રિંગ રોલ્સ પર પહોંચી ગયા, ત્યાંથી ઇટાલીઅન પિત્ઝા! પિત્ઝા પરથી મેકિસકન ટાકોસ અને ઇઝરાયલી ફલાફલ સુધી. અને શુદ્ધ ગુજરાતી છીએ એટલે ચાઇનીઝમાં પણ પાપડ અને પિત્ઝામાં પણ જૈન પિત્ઝાની ગડબડી કરતા રહીએ છીએ.

ગુજરાતી પતિ રસોડામાં તદ્દન નકામો છે, ડ્રોઇંગરૂમમાં જેન્ટલમેન છે, બેડરૂમમાં એ ઇન્કમટેક્સની ફાઇલો સાથે આખું વર્ષ રોમાંસ કરી શકે છે. ફક્ત ડાઇનિંગ ટેબલ પર એ એની મમ્મીના ઘરમાં શીખેલી બધી જ મસ્તીઓ અજમાવતો રહે છે (અમારા ગુજેશને રોટલી તો ગરમગરમ જ જોઇએ... કેરીની સિઝનમાં રસ વિના ચાલે નહીં... અને ફોદીનો ભાવતો નથી...)

આપણા ખોરાકમાં ચીઝનો ઉપયોગ વઘ્યો છે, આપણે ઘરમાં કોફી પીતા શીખી રહ્યા છીએ. હવે ડીસર્ટમાં ક્રીમ વિથ સ્ટ્રોબેરી છે. અંગૂર તો અમે જહોનસન્સ સીડલેસ જ લાવીએ છીએ. હાફૂસને ફ્રિજમાં ઠંડી કરીને પછી ખાઓ... જુઓ કેવી મજા આવે છે? ગુજરાતી કિચનો હવે લેબોરેટરી બનવાના માર્ગ પર છે અને હજારો મિની તરલા દલાલોનો એમના ગિનિપિગ હસબન્ડો પર નવાં નવાં વ્યંજનોના પ્રયોગો ફટકારવાનો મારો ચાલુ છે. પતિ પરમેશ્વરો કારેલાં અને આંબલીના રસનું કોકટેઇલ ગટગટાવી ગયા હોય એવા ‘ફ્રેશ’ લાગી રહ્યા છે.

ઉત્તર અમેરિકામાં જન્મેલું સૂર્યમુખી વિશ્વભરમાં ફેલાઇ ગયું અને આપણે એના તેલનો વ્યવહાર કરીએ છીએ. મઘ્ય અમેરિકાથી કોકો અને પપૈયાં અને ટોમેટો આવ્યાં. એગ્રોનોમિસ્ટો અથવા કૃષિતજજ્ઞોએ શોધી કાઢ્યું કે દક્ષિણ અમેરિકાના પર્વતોવાળા ઉચ્ચ પ્રદેશોમાંથી બટાટા આવ્યા, અને મૈદાની દક્ષિણ અમેરિકાએ દુનિયાને મગફળી અને અનનાસ આપ્યાં. ભૂમઘ્ય સમુદ્રની હવામાંથી કોબીજ, અંગૂર, ઓલિવ અને ઓટ જગતને મળ્યાં. યુરોપમાં રાસબેરી, બીટ અને રાય (આપણી રાઇ નહીં)નો જન્મ થયો હતો.

આફ્રિકા કોફી અને તરબૂચનું ઉત્પત્તિસ્થાન છે એવું મનાય છે. મઘ્યપૂર્વની ધરતી પરથી મનુષ્યને શું શું મળ્યું? પ્યાજ, દાડમ, પેર, વટાણા, અંજીર, ખજૂર. પાસિફિક સમુદ્રના કિનારાએ નાળિયેરી આપી. દક્ષિણ ચીન અને અગ્નિ એશિયામાં પ્રથમ લીંબુ, કેળાં, ચા શોધાયાં અને હિંદુસ્તાને વિશ્વને શું આપ્યું? આમલી, જાંબુ, શેરડી, બોર, કેરી, શણ, કપાસ...

આજે ઇઝરાયલમાં બી વગરનાં તરબૂચ કે કલિંગર પૈદા થાય છે. જે દક્ષિણ અમેરિકાએ આપણને આટલું બધું આપ્યું છે ત્યાં હવે નવી નવી શાકભાજીઓ શોધાઇ રહી છે. એક જમાનામાં ટમાટાં ઝેરી ગણાતાં હતાં, આજે ટમાટાં જેવું જ પેપીનો બજારમાં આવ્યું છે. જાંબલી રંગના બટાટા આવ્યા છે, જેમાંથી બ્લુ રંગના ફ્રેંચ ફ્રાઇઝ (બટાટાની કતરી) બને છે. એક દિવસ એવો આવશે કે વૈજ્ઞાનિકો લાલ, લીલા, કેસરી રંગનાં શક્કરિયાં બજારમાં મૂકશે! અને નવી શાકભાજીઓ, જેનાં નામો પણ આપણે સાંભળ્યાં નથી: ચુન્યોસ, ચેરીમોયા, યુકાસ વગેરે. દક્ષિણ અમેરિકાના એન્ડીસ પહાડમાં એક એવાં મરી ઊગે છે જેને અજી કહેવાય છે (આપણા અજમાનો પૂર્વજ?).

એક વનસ્પતિ કે ફળને આજનું સ્વરૂપ પ્રાપ્ત કરતાં ઘણી વાર સેંકડો વર્ષો લાગી જતાં હોય છે. એલ્ફોન્ઝો(હાફૂસ) અને પરેરા(પાયરી) કેરીઓનાં નામો પોર્ટુગીઝ હતાં. પણ કલકત્તાની ગુલાબખાસ કેરીનું નામ કેવી રીતે આવ્યું? કહેવાય છે કે પ્રિન્સ અન્વર શાહની બેગમો શુદ્ધ ગુલાબજળથી નહાતી હતી અને સ્નાન પછીનું ગુલાબજળ નવાબની આમ્રકુંજોમાં વહાવી દેવાતું હતું. એટલે ગુલાબખાસ નામ પડ્યું અને એ કેરીઓનો લાલ ગુલાબી રંગ આવ્યો અને ગુલાબખાસમાંથી કેરીની સાથે ગુલાબનાં ફૂલની ખૂશબો પણ આવે છે!

ખોરાક એ આપણે ધારીએ એવી અગંભીર બાબત નથી. શિખંડ કોણે શોઘ્યો, ગુજરાતે કે મહારાષ્ટ્રે? શ્રીખંડ અને શિખંડ બે જુદી વસ્તુઓ છે? જલેબી અરબી છે, અમૃતી હિંદુ છે અને પેરિસમાં એક ઉત્તર આફ્રિકન સ્ટોરમાં મેં ‘જલેબિયા’ નામની આપણી જલેબી જેવી મીઠાઇ જોઇ છે. ચકલી, ભાખરવડી, સાલમપાક નામો ક્યાંથી આવ્યાં? પૂરણપોળી કે વેઢમી ગુજરાતી છે કે મહારાષ્ટ્રીઅન છે? હમણાં સાન ફ્રાન્સિસ્કોની કોર્ટમાં ચીનાઓ અને ઇટાલીઅનો વચ્ચે ખરેખર દંગલ થઇ ગયું હતું. ચીનાઓનું કહેવું હતું કે પિત્ઝા ૧૩મી સદીમાં ચીનાઓએ શોઘ્યો હતો.

ઇટાલીઅનોનું વિધાન હતું કે ઉત્તર ઇટલીની એટ્રુસ્કન પ્રજાએ પિત્ઝા બનાવ્યો હતો. અને કોર્ટરૂમમાં ચીનાઓ ૧૯૮૭માં આવા જ મુદ્દા પર હારી ગયા: સ્પીધેટી કોણે શોધી? ચીને કે ઇટલીએ? તો નૂડલ્સ કોણે શોઘ્યાં? કોર્ટમાં આ કેસો ચાલ્યા. ઊલટતપાસો થઇ. પિત્ઝામાં સોયા સોસ કેમ નખાતો નથી, બોલો? ચીનાઓ પાસે ઓવન હતાં જ નહીં, એ લોકો તો દરેક વસ્તુ સ્ટીમ કરતા હતા...

એપલ પાઇ અમેરિકન છે અને કડાઇ ગોશ્ત અફઘાન છે. મીન્ટ ટી ચીની છે. તહેરાનની રેસ્ટોરાંમાં ગુલાબજળ છાંટેલા આઇસક્રીમ મળે છે. તુર્કસ્તાનમાં અંગૂરનાં પાંદડાઓમાં પકાવેલા ચાવલ મળે છે અને સમોસાંમાં ચીઝ અને પનીર ભરેલાં હોય છે. અને આપણો કસાટા આઇસક્રીમ મૂળ નેપલ્સથી આવ્યો છે? કહે છે કે નેપોલિયનને કસાટાનો શોખ હતો. એસ્પ્રેસો કોફી તો બધાએ પીધી હશે પણ ઉપર તજનો ભૂકો ખંખેરેલી ઇટાલીઅન કાપુચીનો કોફી પીધી છે?

રોટલીદાળભાતશાક એ આપણો ભૂતકાળ છે. એ દિવસો હતા જ્યારે એક ઓલો હતો કે એક ચૂલો હતો અને માટીના વાસણમાં કઢી ઊકળતી હતી અને ખીચડી મુકાતી હતી. હવે માઇક્રો-ઓવનમાં ખીચડી ગરમ થઇ જાય છે અને કઢી ઊકળી જાય છે. રોટલીને માટે હવે મેક્સિન નામો વાપરવાથી જીભમાંથી સ્વાદો છૂટે છે. બધું બદલાશે, મોહનિયો મોન્ટી બની જશે, પણ ગુજરાતી ડાઇનિંગ ટેબલ પર બે વસ્તુઓ શાશ્વત છે: છાશ અને લીલાં મરચાંનું અથાણું!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો